Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

અફવા

વિકિપીડિયામાંથી

અફવા એટલે કોઈ એકાદી અંશત: સાચી અથવા તદ્દન ઉપજાવી કાઢેલી ઘટના વિશે વહેતા મૂકેલા અને કર્ણોપકર્ણ ફેલાતા જતા સમાચાર.[][] મહત્ત્વનો વિષય અને સંદિગ્ધ (અનિશ્ચિત) વાત – આ બે અફવાના મુખ્ય લક્ષણો છે. અફવા ફેલાવાના કારણ પાછળ લોકોની દ્વેષબુદ્ધિ કામ કરતી હોય છે. લોકોને અફવા ફેલાવવામાં રસ પડે છે અને એકવાર અફવા ફેલાવ્યા બાદ અફવા ફેલાવનારના મનમાં અફવા વિશે મમતા જન્મે છે. અફવાના વિષયોમાં મુખ્યત્વે મારામારીના, ધાસ્તી ઉત્પન્ન કરનારા વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયો મોટેભાગે લોકોના મનના ઊંડાણમાં તીવ્ર ઈચ્છા હોય તેને લીધે ઉપજાવી કાઢેલા હોય છે, જેમકે; નબળા વિદ્યાર્થીઓ અફવા ફેલાવે છે કે આ વર્ષે પરીક્ષાનો બહિષ્કાર કરવાનો છે. જે-તે દેશમાં નેતાઓના ભ્રષ્ટાચાર વિશે અને ચારિત્ર્ય વિશે અફવા ફેલાવાની ઘટના સામાન્યપણે જોવા મળતી હોય છે.[]

અફવા એ સંકુલ સમાજમાં બનતી ઘટના છે. સાદા સમાજમાં અફવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અફવા ફેલાતી અટકાવવાનું કામ ઘણું અઘરું હોય છે.

લક્ષણો

[ફેરફાર કરો]

અફવાના વિષયના મુખ્ય બે લક્ષણો જોવા મળે છે. પહેલું લક્ષણ એ કે અફવાનો વિષય બહુ મહત્ત્વનો હોય છે. નજીવી વાતો વિશે અફવા ફેલાતી નથી, અને કોઈ શરૂ કરે તો પણ તે બહુ આગળ વધતી નથી. મહત્ત્વનો વિષય એટલે કે જેમાં સામાન્ય માણસને બહુ રસ છે તે.[]

અફવાના વિષયનું બીજું લક્ષણ એ છે કે ફેલાવવામાં આવેલ અફવાની વાત સંદિગ્ધ હોય છે. જ્યાં સ્પષ્ટ વાત હોય ત્યાં અફવાને બહુ અવકાશ હોતો નથી. એમ કહેવાય છે કે અફવા અજ્ઞાન અને પૂરતી માહિતીના અભાવ ઉપર ફૂલેફાલે છે. જ્યાં પૂરતી માહિતી ઉપલબ્ધ નથી હોતી ત્યાં રસ ધરાવતા લોકો અધૂરી માહિતીને કલ્પનાથી ભરી દે છે. સંકુલ સમાજમાં—જ્યાં કોઈનો કોઈની સાથે સીધો સંબંધ હોતો નથી—અફવાઓ સહેલાઈથી ફેલાય છે. કેટલાક કિસ્સામાં વર્તમાનપત્રો પણ પક્ષીય સ્વાર્થ ખાતર અથવા પોતાના પત્રનો ખપ વધારવા માટે સનસનાટીભરી અફવાઓ છાપતાં હોય છે.[]

અભ્યાસ

[ફેરફાર કરો]

અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને તેમના સાયકૉલોજી ઑફ્ રૂયુમર (૧૯૪૭) નામના પુસ્તકમાં રજૂ કર્યો હતો. અફવાનો ફેલાવો કેવી રીતે થાય છે અને તેમાં વાતનું વતેસર કઈ રીતે થાય છે તે અંગેના અધ્યયનો અને પ્રયોગો આ બે મનોવૈજ્ઞાનિકે કરેલા છે. આ પ્રયોગોમાં એક વ્યક્તિ ચિત્ર જોઈને કે વાર્તા સાંભળીને બીજી વ્યક્તિને તે અંગેનો અહેવાલ આપે છે, બીજી વ્યક્તિ તે અહેવાલ ત્રીજી વ્યક્તિને, ત્રીજી ચોથીને અને ચોથી વ્યક્તિ પાંચમીને અહેવાલ આપે એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાર્તા કે અહેવાલ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. ઑલપૉર્ટ અને પોસ્ટમૅને જણાવ્યુ છે કે વાર્તા કે અહેવાલ એક મુખેથી બીજે મુખે જાય ત્યારે કેટલીક વિગતો છૂટી જાય છે, કેટલીક વિગતો પર વધારે પડતો ભાર મુકાઈ જાય છે, જ્યારે કેટલીક વિગતોમાં પ્રયોગપાત્રોના આશા-અરમાનો-ઇચ્છાઓ અપેક્ષાઓ ભળી જાય છે. આ ત્રણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને લીધે મૂળ વાર્તામાં વિકૃતિઓ આવે છે.[]

અફવાઓમાં કેટલીક વાર વ્યક્તિઓ ઈચ્છાપૂર્તિ પણ કરે છે. જેમકે, હુલ્લડ, રમખાણ કે યુદ્ધમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યાં હોય તેઓ મરણનો આંકડો ખૂબ જ વધારીને બધાને કહે છે. આ રીતે તેમણે એકલાએ ગુમાવ્યું નથી પરંતુ તેની જેમ ઘણાં બધાંએ ગુમાવ્યું છે એવું તે આશ્વાસન મેળવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૩૦–૧૩૪.
  2. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૦. ISBN 978-93-85344-46-6.
  3. ૩.૦ ૩.૧ શાહ, નટવરલાલ (૨૦૦૧). "અફવા". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦૭. OCLC 165646268.